DIARY

સ્વર યોગા અનુભવ – દિવસ 3

જેમ જેમ અનુભવ થતો જાય છે, શીખવા મળે છે એમ એમ વધુ રસ પડતો જાય છે. અફસોસ થાય છે કે આ બધું પહેલા શીખવાનું કે જાણવાનું મન કેમ ના થયું!!? પણ જાગ્યા ત્યારથી સવાર. જેમ આધ્યાત્મિક પુસ્તકો વાંચીને મજા આવી અને તેમાં વધુ ઊંડા ઉતારવાનું મન થયું અને ખુબ બધા પુસ્તકો, ગ્રંથો વાંચ્યા અને હજુ ચાલુ જ છે તેમ યોગા માં પણ મજા આવે છે અને વધુ શીખવાની અને જાણવાની ઈચ્છા વધતી જાય છે. આજે મારા યોગ ગુરુ ખુબ સ્પીડમાં બોલતા હતા અને ઘણું પ્રેક્ટિકલ પણ હતું એટલે બધું નોટ-ડાઉન કરવાનો સમય રહ્યો નહોતો, પણ જેટલું યાદ છે તે લખું છું.

ૐ (ઓમ) કંઈ રીતે બોલવું જોઈએ?

ૐ ત્રણ અક્ષરથી બન્યો છે, અ-ઉ-મ. અ + ઉ = ઓ. ઓ એ અકાર કહેવાય અને મ મકાર કહેવાય. ૐ માં અકાર અને મકાર બંને આવે છે. શ્વાસ લઈને ૐ બોલવું જેમાં ઓ (અકાર) બોલતી વખતે મનમાં ત્રણ વાર ગણવું…. અને પછી મ બોલવો જ્યાં સુધી શ્વાસ પૂરો છોડો ત્યાં સુધી. આવી રીતે ૐ અગિયાર વખત બોલવું. અગિયાર વખત બોલી લીધા પછી લાસ્ટમાં ૐ શાંતિ શાંતિ શાંતિ (શાંતિ મંત્ર) બોલવું. 

શાંતિ મંત્રમાં શાંતિ ત્રણ (3) વખત કેમ?

આપણા હાથમાં ત્રણ ચીજો ના હોય. (1) દૈવિક તાપ, (2) ભૌતિક તાપ અને (3) દૈહિક તાપ. આ ત્રણને શાંત કરવાં માટે શાંતિ મંત્રમાં શાંતિ ત્રણ વખત બોલવામાં આવે છે. સવાલ એ થશે કે આ વળી ક્યાં પ્રકારના તાપ? તો એની થોડી ડિટેઇલ જોઈએ.

 • દૈવિક તાપ : વાતાવરણમાં ચેન્જીસ કે નુકશાન થતું હોય તે. જેમ કે જોરદાર ગરમી, વરસાદ કે ઠંડી પાડવી. સુનામી કે પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફતો. આ બધાને દૈવિક તાપ કહેવાય જેમાં આપણે ધરવા છતાં પણ કંઈ કરી શકીએ નહિ.
 • ભૌતિક તાપ : ભૌતિક એટલે ભૂત. (ભૂત પિશાચ વાળો ભૂત નહિ, કે ભૂતકાળ વાળો ભૂત નહિ.) સંસ્કૃતમાં ભૂત એટલે માણસ અને પ્રાણી. લોકોને લોકોથી તકલીફ થતી હોય તેને ભૌતિક તાપ કહેવાય. આપણી આજુબાજુના કોઈક ને કોઈક માણસોથી આપણને તકલીફો થતી હોય છે પણ આપણે કંઈ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે એક ધોબીને લીધે રામ અને સીતા ને તકલીફ પડી તેને ભૌતિક તાપ કહી શકાય.
 • દૈહિક તાપ : દૈહિક એટલે દેહ-શરીર કે બોડી. આપણા શરીરની કોઈ ગેરંટી છે? આપણને સાજા કરનાર ડોક્ટર પણ બીમાર પડે અને એ પણ અકસ્માતે મૃત્યુ પામે. આપણને જ્ઞાન આપનાર ગુરુ પણ દૈહિક તાપ થી બચી ના શકે. 

એટલે જે ચીજ આપણા હાથમાં ના હોય તેને શાંત કરવા માટે શાંતિ મંત્રમાં (ૐ શાંતિ શાંતિ શાંતિ) શાંતિ ત્રણ વખત બોલવાનું હોય છે. આ બોલતી વખતે બે હાથ જોડી માથું નમાવીને પ્રણામ કરીને ઉપર જે ત્રણ તાપ કહ્યા તે વાત સ્વીકારી લેવી. હાથ જોડીને અને માથું નમાવીને જ પ્રણામ કેમ કરવાનું? તો આપણો ડાબો હાથ એટલે ચંદ્ર, શરીરમાં રહેલું સ્ત્રી તત્વ અને જમણો હાથ એટલે સૂર્ય, પુરુષ તત્વ. બંને મળીને માથામાં રહેલ અહંકાર અને બુદ્ધિને સમર્પિત કરવાની સંજ્ઞા એટલે માથું નમાવિને પ્રણામ કરવું.

પ્રાણાયામ :

આજે પ્રાણાયામ કરતા શીખવાડ્યું અને તેના વિષે કહ્યું. પ્રાણાયામ એટલે પ્રાણ + આયામ. પ્રાણ એટલે એનર્જી / શક્તિ અને આયામ એટલે પામવું. શક્તિ/એનર્જી માણસને વાતાવરણ, ખોરાક, પાણી, વ્યક્તિ વગેરેમાંથી પણ મળતી હોય છે તો પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય તે પણ સવાલ થાય. તો તેનો જવાબ છે કે પ્રાણાયામથી શ્વાસની ગતિ ઘટે છે અને શક્તિ પણ મળે છે. 

વ્યાયામ એટલે વ્યય + આયામ. વ્યય એટલે કંઈક ખોવું. કંઈક ખોઈને કંઈક પામવું એટલે વ્યાયામ. વ્યાયામ કરવાથી શું થાય તે બધાને ખબર જ છે એટલે એની ચર્ચા નથી કરતો, પણ વ્યાયામ અને પ્રાણાયામ વચ્ચેનો ફર્ક સમજવાનું સહેલું રહે એટલે વ્યાયામનો ઉલ્લેખ કર્યો છે. શ્વાસની ગતિ વધે એ વ્યાયામ, શ્વાસની ગતિ ઘટે એ યોગા / પ્રાણાયામ. મેટાબોલિક રેટ વધે તે વ્યાયામ અને મેટાબોલિક રેટ સ્થિર રહે કે ઘટે તે યોગા / પ્રાણાયામ.

પ્રાણાયામ મુખ્યત્વે બે (2) પ્રકારના છે.

 • રાજયોગ પ્રાણાયામ : આ પ્રકારના પ્રાણાયામ સ્પિરિચુઅલ સેન્ટરમાં વધુ શીખવાડવામાં આવતા હોય છે જેમ કે આર્ટ ઓફ લિવિંગ અને બીજા પણ છે. 
 • હઠયોગ પ્રાણાયામ : આ પ્રકારના પ્રાણાયામ સર્ટિફાઈડ યોગા ટીચર દ્વારા શીખવાડવામાં આવતા હોય છે. હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. શરીરની ગરમી અને ઠંડી બંનેને બેલેન્સ કરવી એટલે હઠયોગ પ્રાણાયામ. સ્વર યોગા હઠયોગ છે. 

નાડી શોધન પ્રાણાયામ:

શરીરની નસો (નાડીઓ) ને સાફ કરવાનું કામ કરે છે. આપણા ફેફસાની કેપેસીટી 6000 ML શ્વાસની હોય છે. આપણે જયારે શ્વાસ લઈએ છીએ ત્યારે 2500 ML નો શ્વાસ લેતા હોઈએ અને નોર્મલી આપણે શ્વાસ લઈને તરત છોડી દેતા હોઈએ ત્યારે 500 ML કાર્બન ડાયોક્ષાઇડ ફેફસામાં એમને એમ પડ્યો રહે છે કારણકે આપણે શ્વાસ પૂરો છોડતા નથી અને તરત નવો શ્વાસ લેતા હોઈએ છીએ. 

શ્વાસની ક્રિયાના 4 પ્રકાર હોય છે. શ્વાસને લેવું, શ્વાસને અંદર રોકવું, શ્વાસને છોડવું અને શ્વાસ છોડ્યા પછી થોડીવાર રોકાવું (શ્વાસ વગર રહેવું.) બધા બે ક્રિયા તો કરતા જ હોય છે શ્વાસ લેવું અને છોડવું, બે ચીજ જ શીખવાની હોય છે પ્રાણાયામ માં થી. શ્વાસ અંદર રોકવાથી ફેફસા ઓક્સિજન પૂરું લઈ શકે અને અંદર રહેલો કાર્બન ડાયોક્ષાઇડ બહાર ફેંકી શકે. શ્વાસ છોડીને રાહ જોવાથી શરીરના સેલ ઓક્સિજનની ડિમાન્ડ કરશે, ત્યારે ત્રણ સેકન્ડ રાહ જોવડાવ્યા પછી શ્વાસ લેવાથી શરીરના સેલ ઓક્સિજન પૂરેપૂરું ખેંચી લેશે અને આમ કરવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ ધીરે ધીરે વધતું જશે. 

શ્વાસ કેટલી વાર રોકી રાખવો?

આજે પહેલો દિવસ હતો પ્રાણાયામનો એટલે અમને છ (6) સેકન્ડ રોકી રાખવાનું કહ્યું. જે ધીરે ધીરે અને વધુ માં વધુ 16 સુધી પહોંચાડવાનું કહ્યું છે. રોજ પાંચ મિનિટ પાંચ વાર છ સેકન્ડ રોકવાનું કહ્યું છે. જેને પ્રાણાયામની ક્રિયા કહેવામાં આવે છે. 16 સુધી પહોંચ્યા પછી દિવસમાં બે વખત જ કરવાનું થશે. આમ કરવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ 99 સુધી પહોંચી શકે. 

બીજ મંત્ર :

આપણા શરીરમાં સાત (7) ચક્રો હોય છે. મૂલાધાર ચક્ર, સ્વાધિસ્ટાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આ બધા જ ચક્રો શરીરમાં અલગ અલગ તત્વો દર્શાવે છે અને બધાને જાગૃત કરવા માટેના અલગ અલગ મંત્રો છે. પ્રાણાયામ કર્યા પછી અને ધ્યાનમાં (જે આવતીકાલના સેશનમાં આવશે) બેસવું. તો હવે સાત ચક્રો ક્યાં તત્વોના છે અને તેના મંત્રો ક્યાં છે તે જોઈએ.

 • મૂલાધાર ચક્ર : પૃથ્વી તત્વ. આ ચક્ર આપણા પગના ભાગે હોય છે. આ ચક્રનો મંત્ર છે : લં (LAM) લ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે.
 • સ્વાધિસ્ટાન ચક્ર : જલ / પાણી તત્વ. આ ચક્ર ડુંટીની ત્રણ આંગળ નીચે હોય છે. જે પાણીનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : વં  (VAM) વ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી સ્વાધિસ્ટાન ચક્ર જાગૃત થાય છે.
 • મણિપુર ચક્ર : અગ્નિ તત્વ. આ ચક્ર ડૂંટીના ભાગમાં હોય છે. જે અગ્નિનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : રં  (RAM) ર બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી મણિપુર ચક્ર જાગૃત થાય છે.
 • અનાહત ચક્ર : વાયુ તત્વ. આ ચક્ર છાતીના ભાગમાં હોય છે. જે વાયુનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : યં (YAM) ય બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
 • વિશુદ્ધ ચક્ર : આકાશ તત્વ. આ ચક્ર ગળાના ભાગમાં હોય છે. જે આકાશનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : હં (HAM) હ  બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી વિશુદ્ધ ચક્ર જાગૃત થાય છે.
 • આજ્ઞા ચક્ર : મહત્ત તત્વ. આ ચક્રને ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે કારણકે તે બંને આંખની ઉપર બંને નેણની વચ્ચે છે. આ ચક્રનો મંત્ર છે : ૐ / ઓમ (AUM) ઓ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી વિશુદ્ધ ચક્ર જાગૃત થાય છે.
 • સહસ્ત્રાર ચક્ર : તત્વાતીત તત્વ. ચક્રોમાં શિરમોર એવું ચક્ર, સૌથી ઉપરનું, નીચેથી સાતમું એવું આ ચક્ર. સહસ્ત્રારચક્ર, ક્રાઉનચક્ર, શૂન્યચક્ર – આ બધા એના નામ. આ ચક્રનો પણ મંત્ર છે : ૐ / ઓમ (AUM) ઓ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે.

આ બધા મંત્રો યાદ રાખવાનો સરળ ઉપાય  : લ વ ર – ય હ – ઓ 

આજનો સારાંશ:

સારાંશ તો ના કહેવાય પણ આજે હોમવર્ક આપ્યું છે તે સારાંશમાં કહીશ. 

 • ૐ અગિયાર વખત બોલવું અને અંતમાં શાંતિ મંત્ર.
 • દિવસમાં પાંચ વખત પાંચ-પાંચ મિનિટ પ્રાણાયામ કરવું.
 • દિવસમાં ચાર વખત બીજ મંત્ર બોલવા.

*******

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 2                                                                                                           સ્વર યોગા અનુભવ – દિવસ 4

2 replies »

Leave a Reply