SELF / स्वयं

સ્વર યોગા અનુભવ – 8

સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે જોઈશું.

કોઈ પણ કામ કરતાં પહેલા વિચારો કે આ કામ પ્રકૃતિ છે કે પુરુષ? આપણા શરીરમાં પણ સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ એમ બંને હોય છે. સૂર્ય એટલે પુરુષ અને ચંદ્ર એટલે સ્ત્રી / પ્રકૃતિ. ચંદ્ર એટલે રેણુ, ELECTRON  અને સૂર્ય એટલે અણુ , PROTON. પ્રકૃતિ પાલન પોષણનું કામ કરે જયારે પુરુષ સંહાર કરે. હવે વારા ફરતી બંને નાડીમાં શું અને ક્યાં કામ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તે જોઈશું.

ચંદ્ર નાડી :

ઉપર કહ્યું તેમ ચંદ્રનાડી એટલે સ્ત્રી-પ્રકૃતિ. પ્રકૃતિ પાલન પોષણનું કામ કરે એટલે પૃથ્વી તત્વ અને પાણી તત્વ પ્રકૃતિ છે. દિવસ, શુક્લ પક્ષ ઉત્તરાયણ એ બધું પ્રકૃતિ માં આવે. આપણા શરીરને પાલન પોષણ કરતો ખોરાક કે કાર્ય ચંદ્ર નાડીમાં લેવું કે કરવું. ચંદ્ર નાડીમાં કરવાના કામની યાદી :

 • પાણી પીવું.
 • પ્રાણાયામ કરવું.
 • જાપ કરવો. (ઋષિમુનિઓ એટલે જ લાકડાની ઘોડી જમણા હાથની નીચે રાખીને જાપ કરતા હોય છે જેથી સતત ચંદ્રનાડી ચાલુ રહે.)
 • ભગવાનની પૂજા કરવી.
 • ધ્યાન કરવું. (ચંદ્રનાડીમાં વિચારોની ગતિ ઓછી હોય છે જયારે સુર્યનાડીમાં વધુ હોય છે.)
 • કોઈપણ વસ્તુ લેવી હોય, ખરીદી કરવી હોય તો તે ચંદ્રનાડીમાં કરવી.
 • ચંદ્રનાડીમાં જમણું મગજ કામ કરે છે અને નિર્ણય લેવાની શક્તિ જમણા મગજમાં જ હોય છે. બધીજ ઈન્દ્રિયોનું (SIXTH SENSES)નું કેન્દ્ર સ્થાન ચંદ્રનાડીમાં હોય છે.
 • દા. ત. કોઈ જમીન ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળો ત્યારે ચંદ્રનાડી હોય, જમીન વાળી જગ્યાએ પહોંચ્યા ત્યારે ચંદ્રનાડી ચાલુ હોય, જમીન પર ઉભા હોવ ત્યારે ચંદ્રનાડી ચાલુ હોય તો તે જમીન તમને 100% ફાયદો વધુ કરાવશે.
 • ચંદ્રનાડીમાં પરિશ્રમ ઓછો અને ફળ વધુ મળે.
 • કામ કરવાની સ્પીડ પણ વધે.
 • જ્ઞાન મગજમાં સાચવવું હોય, યાદ રાખવું હોય, ગોખણપટ્ટી કરવી હોય તો ચંદ્રનાડીમાં કરવું. વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી છે આ, જો તેમણે થિયરિકલ સબ્જેક્ટ કરવા હોય તો તે ચંદ્રનાડીમાં કરવા જોઈએ જેથી યાદ જલ્દી રહેશે.
 • ખરીદી અને વેચાણ બંને ચંદ્રનાડીમાં કરવું.
 • કોઈને ઉછીના રૂપિયા આપવા હોઈ, દાન-ધર્માદો કરવો હોય તો ચંદ્રનાડીમાં કરવું.
 • સારા કામ બધા ચંદ્રનાડીમાં કરવા.
 • અગત્યના ફોન કોલ કે ઉઘરાણી માટેના કોલ ચંદ્રનાડીમાં કરવાથી ફાયદો થશે.

સુર્યનાડી :

ઉપર કહ્યું તેમ સુર્યનાડી એટલે પુરુષ. અગ્નિ તત્વ અને વાયુતત્વ પુરુષ છે જયારે આકાશ તત્વ ન્યુટ્રલ છે. રાત, કૃષ્ણપક્ષ, દક્ષિણાયન બધું પુરુષમાં આવે. સૂર્યનાડીમાં કરવાના કામની યાદી :

 • ખાવાનું ખાવું એ સંહાર છે એટલે સુર્યનાડીમાં જમવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ શાકભાજી કે ફળમાં પણ જીવ હોય છે તેને મારીને આપણે ખાઈએ છીએ.
 • ડાબી બાજુ પડખું રાખીને સૂવાથી બેક્ટેરિયા મરી જાય, સંહાર થાય છે એટલે સૂર્ય – પુરુષ.
 • કોઈ ચીજ વસ્તુ લેશો તો તેનો ઉપયોગ બહુ મોડો કરવા મળશે.
 • સુર્યનાડીમાં ડાબું મગજ કામ કરતુ હોય છે અને તેમાં સાચો નિર્ણય નથી લઇ શકાતો.
 • સુર્યનાડીમાં મહેનત વધુ અને ફળ ઓછું.
 • પૈસા વધુ ખર્ચાશે.
 • સમયનો બગાડ વધુ થશે.
 • કામ કરવાની સ્પીડ ઓછી હોય.
 • શ્રમ વાળું કામ અથવા મગજનો ઉપયોગ જે કામ માં વધુ કરવો પડતો હોય ત્યારે તે સુર્યનાડી માં કરવું. વિદ્યાર્થીઓ માટે લોજીકલ સબ્જેક્ટ્સ જેમ કે મેથ્સ, સ્ટેટેસ્ટિક્સ, કેમિસ્ટ્રી વગેરે ભણવું હોય તો તે સુર્યનાડીમાં કરવું.
 • કોઈ સાથે ઝગડો કરવો હોય તો સુર્યનાડીમાં કરવો.
 • એન્ટિબાયોટિક દવા અને પેઈન કિલર દવા સુર્યનાડીમાં લેવી. બીજી દવાઓ કોઈ પણ નાડીમાં લઇ શકાય.
 • મહેનત વાળા બધા જ કામ સુર્યનાડીમાં કરવા.
 • સારા કામ સુર્યનાડીમાં ના કરવા, અગત્યના ફોન કોલ પણ ના કરવા.

સુશુમના નાડી :

સુશુમના નાડી ચાલુ હોવી એટલે બંને નાક સરખા કામ કરતા હોય, જો કે આવું દિવસ દરમિયાન બહુ ઓછા સમય માટે બનતું હોય છે. આ સમય બહુ જ ખરાબ કહેવાય છે. સુશુમના નાડીમાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો જ સાબિત થશે. સુશુમના ચલાના સહી હૈ, સુશુમના કે ચલના ગલત હૈ, એટલે કે આપણે પ્રેક્ટિસથી થોડીવાર તેને ચલાવીએ તો સારું, તે એની જાતે ચાલે તો ખરાબ.

સાર :

ચંદ્રનાડી ચાલુ હોય ત્યારે શરીરમાં ચેતના ડાબી બાજુ ચાલુ હોય છે, જે શરીરને ઊર્જાવંત (એનર્જેટિક) રાખે. સુર્યનાડીમાં ચેતના જમણી બાજુ હોય છે ત્યારે જમણી બાજુનું શરીર ઊર્જાવંત (એનર્જેટિક) રાખતું હોય છે. સારા / શુભ કાર્યો કરતી વખતે જે બાજુ ચેતના હોય તે હાથથી કામ કરવું જેમ કે પ્રકૃતિ ના કર્મો. અશુભ કર્મોમાં ચેતનાને પાછળ કરવી જેમ કે પુરુષના કર્મો.

હાથથી જમવાનું કારણ:

આપણે અગાઉ જોયું તેમ આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે જે આપણી આંગળીઓ અને અંગુઠામાં પણ હોય છે.

 • અંગુઠો – અગ્નિ તત્વ
 • પહેલી આંગળી – વાયુતત્વ
 • વચલી આંગળી – આકાશતત્વ
 • રિંગ ફિંગર – પૃથ્વીતત્વ
 • ટચલી આંગળી – જલતત્વ.

આમ હાથેથી જમતી વખતે આપણે પાંચેય તત્વોને સાથે રાખીને ખોરાક લઇ શકીએ જે શરીર માટે બહુ જરૂરી અને સારું છે. કોઈ યુદ્ધ કરવા જતું હોય અથવા પરાક્રમ કરવા જતું હોય ત્યારે તમે જોયું હશે કે અંગુઠાથી તિલક કરવામાં આવે છે કારણકે તે અગ્નિ તત્વ છે. જયારે કોઈ સારા કાર્ય માટે તિલક કરવાનું આવે ત્યારે રિંગ ફિંગર નો ઉપયોગ કરવામાં આવે છે કારણકે તે પૃથ્વી તત્વ છે અને પૃથ્વી પ્રકૃતિ છે. સગાઇ કે લગ્નમાં એટલે જ રિંગ ફિંગરમાં વીંટી પહેરવામાં આવે છે. ટચલી આંગળી જલ તત્વ છે તે વિષે તો બધા જ જાણતા હશો કારણકે તેનો ઉપયોગ આપણે બધાએ સ્કૂલમાં ટીચરને યુરિનલ જવા માટે રજા લેવા બતાવતા હતા.

નાડીઓને ચેન્જ કેમ કરવી?

 1. પડખા ફેરવવાથી: ડાબે પડખે સૂવાથી સુર્યનાડી ચાલશે અને જમણે પડખે સૂવાથી ચંદ્રનાડી. જેને આખો દિવસ સૂર્યનાડી ચાલતી હોય તેમણે સાત્વિક ખોરાક લેવો જોઈએ અથવા રોજ મિનિમમ 3-4 સફરજન ખાવા. 8 દિવસ સફરજન ખાવાથી શરીર આલ્કલાઈન થઇ જશે અને પછી ચંદ્રનાડી ચાલુ થઇ જશે. બીજો એક ઉપાય છે જે વાંચીને તમને પહેલા તો માનવામાં નહિ આવે પણ મેં આ અજમાવી જોયું છે અને સચોટ છે. 3 વડાપાઉં ખાઈ લેવા, વડાપાઉં ખાવાથી શરીરમાં એસિડ લેવલ ખતમ થઇ જશે અને ચંદ્રનાડી ચાલુ થઇ જશે.
 2. ઘોડી / બૈસાખી: તમે જોયું હશે કે ઋષિમુનિઓ ધ્યાન અને જાપ કરતી વખતે લાકડાની એક નાની ઘોડીનો ઉપયોગ કરતા હોય છે. હાથ નીચે ઘોડી રાખવાથી તે હાથમાં દબાવ આવશે અને વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે અથવા તે ચાલુ હશે તો તે જ રહેશે. જમણા હાથ નીચે ઘોડી રાખવાથી ચંદ્રનાડી ચાલુ રહેશે અને ડાબા હાથ નીચે રાખવાથી સુર્યનાડી. ઘોડી ના હોય તો બોલ, બોટલ અથવા હાથની મુઠ્ઠી પણ બગલમાં દબાવી રાખવાથી એજ કામ થશે જે ઘોડી રાખવાથી થાય. આમ કરવાથી બે થી પાંચ મિનિટ તે નાડી ચાલુ રહેશે.
 3. ખુરશીનો ઉપયોગ: આજકાલ આપણે બધા ખુરશી પર બેસીને જ કામ કરતા હોઈએ છીએ, તો ખુરશીના હાથા પર હાથ રાખીને થોડીવાર વજન આપવાથી નાડી ચેન્જ કરી શકાય છે. દિવસે ચંદ્રનાડી ચાલુ રાખવાથી ફાયદો થાય તે જોયું આપણે તો જમણી બાજુ હાથ પર વજન આપવાથી ચંદ્રનાડી ચાલુ રહેશે અથવા કરી શકાશે.
 4. નાના બાળકોને તેડવાથી: નાના બાળકોને આપણે તેડીએ ત્યારે જે સાઈડમાં તેડ્યું હોય તે હાથમાં વજન આવવાથી તેની વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે.
 5. ખરીદી: બજારમાં ખરીદી કરવા ગયા હોઈએ ત્યારે જે હાથમાં વજન ઉપાડીએ તેનાથી વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે.
 6. મહાત્મા ગાંધી મુદ્રા: તમે ગાંધીજીને બેઠેલા જોયા હશે, જે પગ પર વજન રાખીને બેસો તેનાથી વિરુદ્ધ બાજુની નદી ચાલુ થઇ જશે.
 7. કૃષ્ણ ભગવાન: તમે કૃષ્ણ ભગવાનના ફોટા અને મૂર્તિઓ માં જોયું હશે કે વાંસળી વગાડતી વખતે વજન એક પગ પર વધુ હોય તેમ ઉભા હોય છે, તો તેમ કરવાથી પણ નાડીઓ ચેન્જ કરી શકીએ.
 8. વિચાર: સ્ટ્રોંગ વીલ પાવર કે સ્ટ્રોંગ વિચારથી પણ નાડી ચેન્જ કરી શકાય છે. જ્યાં શંકા / ડાઉબ્ટસ ના હોય ત્યાં વીલ પાવર અને કોન્ફિડન્સ વધુ હોય. કોઈ સવાલ કે ડાઉબ્ટસ ના રહે તેને આધ્યાત્મિકતા કહી શકાય.

નાડીઓનું મહત્વ કાર્યસિદ્ધિ માટે ખુબ જ છે. જે કામ કરતા હોઈએ ત્યારે નાડી ચેન્જ ના થાય તે માટે ઋષિમુનિઓ ઘોડીનો ઉપયોગ કરતા અને કરે છે. જે કામ કરતા હોઈએ ત્યારે એક જ નાડી ચાલવી કાર્યસિદ્ધિ માટે જરૂરી છે.

વાતાવરણ / નેચરની સાથે કેમ જોડાવું?

 1. બપોરે 12 વાગે આકાશમાં સૂર્ય છે તો આપણામાં ચંદ્ર હોવો જરૂરી, એટલે કે ચંદ્રનાડી ચાલતી હોવી જોઈએ ત્યારે.
 2. રાત્રે 12 વાગે આકાશમાં ચંદ્ર છે તો આપણામાં સૂર્ય હોવો જરૂરી, એટલે કે રાત્રે હંમેશા માટે સુર્યનાડી ચાલતી હોવી જોઈએ.
 3. સૂર્યાસ્ત સમયે હંમેશા સુર્યનાડી ચાલતી હોવી જોઈએ.
 4. સૂર્યોદય સમયે ચંદ્રનદી ચાલતી હોવી જોઈએ.

આમ કરવાથી આપણું શરીર વાતાવરણ સાથે તાલ થી તાલ મેળવી શકશે.

નાડીઓ દ્વારા સારું – ખરાબ :

આવનારા કલાકો, દિવસો કે મહિનાઓ તમારા સારા જશે કે ખરાબ તે કંઈ નાડી ચાલુ છે તેના પરથી તમારા મનને ખબર પડી શકે.

નાડી શુક્લ પક્ષ (તિથિ) કૃષ્ણ પક્ષ (તિથિ)
ચંદ્ર 1,2,3,7,8,9,13,14,15 (પૂનમ) 4,5,6,10,11,12
સૂર્ય 4,5,6,10,11,12 1,2,3,7,8,9,13,14,15 (એકમ )
 • સવારે ચંદ્રનાડી ચાલુ હોય તો આખો દિવસ સારો જશે. 
 • શુક્લ પક્ષનો પહેલો દિવસ ચંદ્રનાડી હોય તો આવનારા 15 દિવસો સારા જશે.
 • હર મહિનાનો પહેલો દિવસ એટલે કે અમાસ પછીનો પહેલો દિવસ ચંદ્રનાડી હોય તો આખો મહિનો સારો જશે. 
 • ગુડી પડવો અને દિવાળી પછીનો (અમાસ પછીનો ) દિવસ ચૈત્રી એકમ અને કાર્તિક એકમની સવારે ચંદ્રનાડી હોય તો આગળના છ મહિના સારા જશે. (અમાસને દિવસે સાંજે ન જમવાથી અને રાત્રે ડાબે પડખે સૂવાથી સવારે ચંદ્રનાડી ચાલુ રહે.)
 • સુર્યનાડીમાં મૌન રાખવું સારું અને ચંદ્રનાડીમાં વાતો કરવી કે સલાહ આપવી સારો સમય કહેવાય. 

તણાવ / સ્ટ્રેસ કેમ આવે? અને તેનો ઈલાજ શું?

રાહ: રાહ જોવાથી તણાવ વધે, રાહ જોવી એટલે તણાવ વધારવો. રાહ એની કે દુઃખ ક્યારે દૂર થશે, ગમતું ક્યારે મળશે વગેરે. તેના માટે કૃષ્ણ ભગવાન કહી જ  ગયા છે કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. 

ચીડ / ઘૃણા / દ્રેષ : ક્યારેક આપણને એટલી ચીડ કે ઘૃણા થઇ આવે કે મનમાં 5 પ્રકારના કાર્યો કરવાનું મન થાય.

 • મનમાં ને મનમાં ગાળ આપવી.
 • ઝાપટ / તમાચો / લાફો મારવાનું મન થવું.
 • પકડીને મારવાનું મન થવું.
 • માથું પકડીને બજારની વચ્ચે લઇ જઈને મારવાનું મન થવું.
 • મોકો મળે તો મારી નાખવાનું / મર્ડર કરવાનું મન થવું.

કોઈ વ્યક્તિ તમને ના ગમતી વાત કે કાર્ય વારંવાર કરે એટલે આવું કરવાનું મન થાય. ભૂલ સામે વાળી વ્યક્તિ કરે અને સજા આપણે પોતાને આપતા હોઈએ છીએ. દ્રેષ કરવાથી મન ખરાબ થાય, તેની અસર પુરા શરીર પર થતી હોય છે. જો આવું રોજ ચાલે તો વધીને 6 મહિનામાં માણસ ડિપ્રેશન માં આવી શકે અને નિંદરની તકલીફ શરુ થઇ જાય છે. 

દ્રેષનો નિકાલ કેમ કરવો : સામી વ્યક્તિને માફ કરવું, ક્ષમા આપવી. ક્ષમા કરવી એ પરમાર્થ નથી સ્વાર્થ છે તે યાદ રાખવું. આધ્યાત્મિક લોકો સહુથી વધુ સ્વાર્થી હોય છે, તે પોતાનું કલ્યાણ પહેલા જોતા હોય છે. માટે આપણે પણ ક્ષમા આપતા શીખવું જોઈએ. ક્ષમા 3 પ્રકારની હોય છે. 

 • બુદ્ધિથી ક્ષમા : કોઈ તમને સોરી કહે અને તેને તરત માફ કરવું. 
 • મનથી ક્ષમા : કોઈ ભૂલ કરે અને આપણે કહીએ કે હવે બીજી વાર આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજે. 
 • અંતઃકરણ થી ક્ષમા: અજ્ઞાની લોકો જ વારંવાર ભૂલ કરતા હોય છે અથવા ઘમન્ડી લોકો (EGO) ભૂલ કરતા હોય છે અને તેવા લોકો અજ્ઞાની જ હોય છે. માટે તેમને ઇગ્નોર કરવા. એક મંત્ર યાદ રાખવો : ૐ ઈગ્નોરાય નમઃ 

પ્રેમ :

પ્રેમ કરતા શીખવું હોય તો માઁ પાસેથી શીખવું પડે. માઁ કઈ ટેક્નિક ઉપયોગ કરે છે? તેને બધી જગ્યાએ કેમ ઉપયોગમાં લેવી? માઁ ના પ્રેમમાં ત્યાગ, નિઃસ્વાર્થ અને સંભાળ બધું જ હોય છે. માઁ તેનો પૂરો સમય તેના સંતાનને આપે છે. સમય આપવાથી સહવાસ થાય, સહવાસથી સંવાદ થાય અને સંવાદથી બોન્ડિંગ થાય અને બોન્ડિંગથી પ્રેમ થાય. બધાને સમય આપવો ખુબ જ જરૂરી છે, તો જ પ્રેમ અને સંબંધો જળવાઈ રહે. પહેલા ખુદને સમય આપવો, પરિવારને સમય આપવો અને પછી ધંધાને સમય આપવો. 

*******

આશા રાખું છું કે આ 8 ભાગમાંથી તમને કંઈક સારું અને ગમતું મળ્યું હશે. મારા માટે સ્વર યોગના આ 20 દિવસો ખુબજ આહલાદક રહ્યા છે અને મને ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું છે. આ લેવલ -1 હતું, હું આતુરતાથી લેવલ-2 ની રાહ જોવ છું. 

આ બધી માહિતી એક પીડીએફ માં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો : SWAR YOGA MY NOTES

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – 7

3 replies »

Leave a Reply